વર્ષ 2008, ફિલ્ડ માર્શલ જનરલ માણેક શૉ વેલિંગ્ટન હોસ્પિટલ,તામિલનાડુ માં પથારીવશ હતા અને બેશુદ્ધ અવસ્થા માં પણ એક નામ વારંવાર લેતા હતા “પગી-પગી”, એટલે ત્યાં હાજર ડોકટરો એ કહ્યું કે sir, who is this pagi ? .1971 નું ભારત અને પાકિસ્તાન વચ્ચે નું યુદ્ધ ભારત જીતી ગયું હતું, ત્યારે માણેક શૉ ઢાકા માં હતા અને તેમણે આદેશ આપ્યો કે “પગી ને બોલાવો હું આજે રાત્રે તેની સાથે જમીશ”. હેલિકોપ્ટર ગયું પગી ને લેવા અને પગી એક થેલી નીચે ભૂલી ગયા જે થેલી લેવા માટે હેલિકોપ્ટર ને ફરી થી નીચે ઉતાર્યું અને થેલી લઈને ફરી થી રવાના થયું, તો અધિકારીઓ એ નિયમ મુજબ થેલી ખોલીને જોઈ અને તેઓ દંગ રહી ગયા, અંદર હતી 2 રોટલી એક ડુંગળી અને ગાંઠિયા. રાત્રે જનરલ સાહેબે એક રોટલી જમી અને બીજી જમી પગીજી એ.
ઉત્તરગુજરાત ના સુઈ ગામ માં આંતરરાષ્ટ્રીય સીમા વિસ્તાર ની એક બોર્ડર પોસ્ટ નું નામ આપવામાં આવ્યું છે “રણછોડદાસ પોસ્ટ”, આવું પહેલી વાર થયું છે કે કોઈ આંતરરાષ્ટ્રીય પોસ્ટ નું નામ કોઈ સામાન્ય નાગરિક ના નામ પર રાખવા માં આવ્યું હોય અને મૂર્તિ પણ રાખવા માં આવી હોય. પગી નો અર્થ છે માર્ગદર્શક, જે રણ માં પણ સાચો રસ્તો બતાવે અને જનરલ માણેક શૉ તેમને આજ નામ થી બોલાવતા, રણછોડદાસ ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા ના સરહદી ગામ “પેથાપુર” ના રહેવાસી હતા. તેઓ ઘેટાં, બકરા અને ઊંટ ના પાલન પોષણ નો વ્યવસાય કરતા હતા.
તેમની જિંદગી માં ત્યારે વળાક આવ્યો જ્યારે તેઓ ની 58 વર્ષ ની ઉંમર માં બનાસકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક વનરાજસિંહ ઝાલા એ તેમને “પોલીસ માર્ગદર્શક”તરીકે નિયુક્ત કર્યા. તેઓ એટલા બધા અનુભવી અને હોંશિયાર હતા કે ઊંટ ના પગ નાં નિશાન જોઈનેજ કહી આપતા હતા કે ઊંટ પર કેટલા લોકો બેઠેલા હતા, અને એટલુંજ નહીં માણસ ના પગના નિશાન જોઈને તેનું વજન અને એટલી હદે કે ઉંમર નો પણ સચોટ અંદાજ લગાવી શકતા હતા, કેટલા સમય પહેલા નું નિશાન છે અને કેટલે દુર સુધી પહોંચ્યા હશે તેમની પણ સચોટ માહિતી તેઓ આપી શકતા હતા.
1965 ના યુદ્ધ ની શરૂઆત માં પાકિસ્તાન એ ભારત ના કચ્છ સરહદ નજીક “વિધકોટ” નામ ની પોસ્ટ પર કબ્જો કરી લીધો અને આ ઝડપ માં 100 જેટલા ભારતીય સૈનિકો ને પરેશાન કરી મુક્યા, અને 10,000 જેટલા ભારતીય સૈનિકો ની ટુકડી ને 3 દિવસ માં નજીક ની પોસ્ટ “છારાકોટ” પહોંચવું અત્યંત જરૂરી બની ગયું હતું, ત્યારે પહેલીવાર રણછોડદાસજી પગી ની જરૂર પડેલી. પોતાની આગવી સૂઝબૂઝ અને અનુભવ ના આધારે તેમણે ભારતીય સૈનિકો ની ટુકડી ને સમય થી 12 કલાક પહેલાજ પોસ્ટ પર પહોંચાડી દીધેલી.આવી આવડત અને સૂઝબૂઝ ને માટે જ જનરલ માણેક શૉ એ રણછોડદાસ ને ખાસ નિયુક્ત કર્યા હતા અને એક વિશેષ દરજ્જો પણ આપ્યો હતો.




author by :- prayagraj