ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે. ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી.

