શું તમે જાણો છો કરોના નો અંત ક્યારે થશે? અને કઈ રીતે થશે? જાણો.

વૈશ્વિક રોગચાળાના બે અંત હોય છે. મેડિકલ અને સામાજિક. લૉકડાઉન ખુલવા સાથે તેનો સામાજિક અંત આવેલો ભલે લાગતો હોય. પણ તબીબી અંત લાવવો હોય તો સાવચેત રહો. શિસ્તબદ્ધ રહો, બેજવાબદારી ભર્યું વર્તન ટાળો. કારણ ખરું લૉકડાઉન હવે શરૂ થાય છે. લૉકડાઉન-૫ માં લગભગ મોટાભાગના ધંધા-રોજગારો ખોલી નંખાયા છે ત્યારે લોકો મને વારંવાર પ્રશ્ન પૂછે છે કે, ‘આ બધાનો અંત ક્યારે આવશે ? શું જિંદગી આ રીતે જ જીવવી પડશે ? પહેલાના દિવસો ક્યારે પાછા આવશે.

કોવિડ-૧૯ રોગચાળો ક્યારે સમાપ્ત થશે અને કેવી રીતે ? પાછલી સદીઓનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે રોગચાળાનો અંત બે પ્રકારનો હોય છે. એક મેડિકલ જ્યારે રોગથી થતા મૃત્યુદરમાં ઘટાડો થાય છે અને છેવટે એક એવો દિવસ આવે છે જ્યારે કોઇજ નવા કેસ નોંધાતા નથી. અને બીજો સામાજિક જ્યારે રોગ વિષયક ભયનો માનસિક રોગચાળો ખતમ થઇ જાય છે.

લોકો જ્યારે પૂછે છે ‘આનો અંત ક્યારે આવશે ? ત્યારે તેઓ સામાજિક અંત વિશે પૂછે છે. સંક્રમિતનો આંકડો પોણા ત્રણ લાખને પાર કરી ચૂક્યો છે. વિશ્વમાં આપણે છઠ્ઠા નંબર પર છીએ અને બહુ ઝડપથી ચોથા નંબર પર પહોચીશું. અર્થાત્ કોવિડ-૧૯ રોગચાળાનો મેડિકલ અંત નથી આવ્યો હજી તો સંક્રમણની ટોચે પહોંચ્યા પછી રોજિંદા સંક્રમિત કેસીસની સંખ્યા ઘટતી ઘટતી શૂન્ય થઈ જાય ત્યારે તબીબી રીતે આનો અંત આવ્યો કહેવાય.

લોકો જ્યારે પૂછે છે કે આનો અંત ક્યારે આવશે એનો અર્થ એ કે એનો સામાજિક અંત ક્યારે આવશે ? તો મારો સીધો જવાબ છે કે કોવિડ-૧૯નો લૉકડાઉન ખુલવાની સાથે સામાજિક અંત આવી ગયો છે. બાકી મેડિકલ અંત આવ્યો નથી. લૉકડાઉનનો અંત લાવવાનો નિર્ણય ‘મેડિકલ ડેટા’ને જોઈને નહીં પરંતુ અર્થતંત્રમાં પ્રાણવાયુ પુરવા માટે લેવામાં આવ્યો છે. એટલે આ એક સામાજિક – રાજકીય અને આર્થિક પરિસ્થિતિને કારણે લેવાયેલો નિર્ણય છે.કોરોના જેવી વૈશ્વિક મહામારીના ઇતિહાસને તપાસીશું તો જણાશે કે આવા વૈશ્વિક રોગચાળાનો અંત એમ સહેલાઇથી આવતો નથી.

પાછલા બે હજાર વર્ષોમાં બ્યુબોનિક પ્લેગના ત્રણ મહાન હુમલાઓ આવી ગયા. આ રોગ ઉંદરો પર રહેતા ચાંચડ પર રહેતા યેર્સિનિયા પેસ્ટીસ નામના બેકટેરીયાથી થાય છે. આ રોગનો ચેપ વ્યક્તિના શ્વસન ટીપાં દ્વારા પણ ફેલાઇ શકે છે. છઠ્ઠી સદીમાં જસ્ટીનીયન પ્લેગનું મોજું આવ્યું. મધ્યયુગમાં ૧૪મી સદીમાં તેનું બીજું મોજું આવ્યું. આ રોગચાળાની શરૂઆત ચીનમાં ૧૩૩૧ માં થઈ અને તેને ચીનની અડધી વસ્તીનો ભોગ લીધો હતો. ત્યારબાદ યુરોપ, ઉત્તર આફ્રિકા અને મધ્યપૂર્વમાં વેપારના માર્ગે આગળ વધ્યો. ૧૩૪૭ થી ૧૩૫૧ ની વચ્ચે તેણે યુરોપની ત્રીજા ભાગની વસ્તીનો ભોગ લીધો.

જ્યારે આ રોગચાળાનું ત્રીજું મોજું ૧૮૮૫માં ચીનમાં આવ્યું અને સમગ્ર વિશ્વમાં તેનો ફેલાવો થયો. એકલા ભારતમાં એક કરોડ અને વીસ લાખ લોકોના આનાથી મૃત્યુ થયા. પરંતુ હાલમાં એન્ટીબાયોટીક્સથી તેનો સફળ ઉપચાર થઇ શકે છે. હવે પ્લેગનો ડર રહ્યો છે, પ્લેગ નહીં. ત્યારબાદ ‘સ્મોલપોક્ષ’ એટલે કે શીતળાનો રોગ આવ્યો. ૧૬૩૩ માં અમેરિકામાં શરૂ થયેલા આ રોગે દસમાંથી ત્રણ વ્યક્તિઓના જીવ લીધા હતા. પરંતુ તેના વિશિષ્ટ લક્ષણોને કારણે આ રોગના રોગીને ઓળખવો સહેલો હતો. એટલે તેનો એકાંતવાસ વધુ સરળ રહ્યો. આ રોગની રસી પણ શોધાઈ. શીતળાના પ્રકોપનો છેલ્લો દરદી સોમાલીયાનો એક હોસ્પિટલનો રસોયો અલી માવ મલિન હતો તે ૧૯૭૭માં સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગયો જેનું મૃત્યુ ૨૦૧૩માં ફાલ્સીપેરમ મેલેરીયાથી થયું.

૧૯૧૮નો ફલુ રોગચાળો વિશ્વભરમાં પાંચ થી દસ કરોડ લોકોને ભરખી ગયો. આજે તે સામાન્ય ફલ્યુ તરીકે જોવા મળે છે. ૧૯૪૨ના બીજા વિશ્વયુદ્ધ પછી તે સમાપ્ત થયો. ૧૯૬૮માં હોંગકોંગ ફલ્યુથી વિશ્વભરમાં દસ લાખ લોકો મૃત્યુ પામ્યા. અર્થાત્ વૈશ્વિક રોગચાળો મેડિકલ દ્રષ્ટિએ એટલો જલ્દી અંત તરફ પહોંચતો નથી.કોરોના રોગચાળામાં વિકસેલા વિજ્ઞાાનના સમયમાં પણ વિશ્વભરમાં લાખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

આ રોગચાળાને નાથવા પ્રથમ લૉકડાઉન વખતે એવું કહેવામાં આવ્યુ કે મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસ ચાલ્યું હતું જ્યારે કોરોના સામે ૨૧ દિવસ ઘરમાં રહી લડવાનું છે અને વિજય મેળવવાનો છે. એટલે લોકો શરૂઆતમાં એમ સમજ્યા કે એકવીસ દિવસના લૉકડાઉન પછી આનો અંત આવી જશે. પણ હકીકત કંઇક જુદી જ નીકળી છે.

લૉકડાઉન એક-બે- ત્રણ- ચાર પાછળ ઉદ્દેશ્ય એક જ હતો કે આ સમય દરમ્યાન સમગ્ર દેશમાં તબીબી સવલતોનું માળખું સુધારવામાં આવે. કોવિડ-૧૯ ના દરદીની સારવાર માટે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને તાલીમ છેક તાલુકા કક્ષા સુધીના તબીબો, નર્સીંગ અને ટેકનીકલ સ્ટાફને અપાય. પર્સનલ પ્રોટેકશનની પણ ખાતરી અપાય અને તેના સાધનો ઉપલબ્ધ કરાય. અને આ રોગચાળાનો લાંબાગાળે સામનો કરવા માટે દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ વિવિધ વોર્ડ સમિતિઓ રચાય જે જરૂરી શિક્ષણ અને સપોર્ટ આપી શકે. પરંતુ આનું યોગ્ય આયોજન ન થઇ શકવાના કારણે રોગચાળો વધતો ગયો. એટલું જ નહીં ઇમરજન્સી સારવાર માટેના વેન્ટીલેટર પર મૂકાયેલા ૮૦% દરદીઓ મૃત્યુ પામ્યા છે. કારણ વેન્ટીલેટર ચલાવવાની તાલિમ બધા પાસે ન હતી.

આવાં અનેક કારણોસર લૉકડાઉનનો ધાર્યો ફાયદો ઉઠાવી શક્યા નહીં. હજી પણ લૉકડાઉન પાંચમાં તબક્કાવાર બધું ખોલવામાં આવે છે તેની માર્ગદર્શિકા માત્ર આગલા દિવસે જ બહાર પાડવામાં આવે છે. શું એક દિવસમાં મોલ અને ધર્મ સ્થળો આ વ્યવસ્થા ઉભી કરી શકશે ? ટૂંકમાં લૉકડાઉન શરૂ કરવામાં અને હળવું બનાવવામાં આયોજનના અભાવની વચ્ચે આપણે બધા બહાર નીકળી ગયા છીએ ત્યારે હું એમ કહીશ કે ખરેખરું લૉકડાઉન હવે શરૂ થાય છે. કારણ હવે તમે તમારા ઘરમાં સુરક્ષિત નથી રહી રહ્યા પણ રસ્તાઓ અને ઓફિસોમાં બહાર નીકળી ગયા છો. તમે ભલે પ્રતિબંધોથી થાક અને હતાશા અનુભવતા હોવ પણ રોગચાળાનો મેડિકલ અંત આવ્યો નથી.સામાજિક રીતે રોગચાળો ભલે પૂરો થયો હોય પણ હજી તે ચાલુ છે. વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

કોરોના રોગચાળાનો અંત એક લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા છે. એટલે જ લૉકડાઉન દરમ્યાન તમને નવી જીવનશૈલીની જે તાલિમ મળી છે તેનું અનુસરણ કરો. વારંવાર હાથ ધોવા, બે વ્યક્તિ વચ્ચે અંતર રાખવું. ગમે ત્યાં થૂંકવું કે છીંકવું નહીં, ભીડભાડવાળી જગ્યાએ ન જવું, ઘરેથી કામ કરવું એ જીવનશૈલીને અપનાવો. કારણ તમારૂં બેજવાબદારી ભર્યું વલણ લાખોના જીવનું જોખમ બની શકે છે. હાલ પૂરતું તો કોરોના સાથે નવી શૈલીથી જીવન જીવતાં શીખી જવાનું છે. કોરોનાનો અંત ક્યારે એ તમારે જ શીખવાનું છે.

Leave a Reply

Your email address will not be published.